ગુજરાત(GUJARAT): આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ ડોલરની સામે રૂપિયાની કિંમત ઘટવા પર વાત કરતા કહ્યું કે, હવે $1 ની કિંમત લગભગ ₹80 થઈ ગઈ છે, આ આપણા સમગ્ર દેશ માટે બહુ મોટી ખતરાની ઘંટડી છે. રૂપિયો નબળો પડતાં આપણા દેશમાં ફુગાવો પણ વધશે અને ફોરેક્સ રિઝર્વ પર જોખમ પણ વધશે. 8 જુલાઈના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશનું ફોરેક્સ રિઝર્વ $8 બિલિયન ઘટીને 15 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચ્યું હતું.
જેમ જેમ ડૉલર મજબૂત થઈ રહ્યો છે, આપણે ક્રૂડ ઓઈલ થી લઈને વિદેશી માલસામાન સુધીની કોમોડિટીઝ માટે વધુ પૈસા ચૂકવવા પડશે. મોંઘવારી સતત વધી રહી છે, વેપારીઓ ની ખોટ વધી રહી છે, ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે, આ તમામ બાબતો દર્શાવે છે કે, ભાજપ સરકાર આર્થિક મોરચે સદંતર નિષ્ફળ રહી છે. જેના કારણે પ્રજાને સીધી તકલીફ પડી રહી છે. આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે. જેની સીધી અસર લોકોની આર્થિક સ્થિતિ પર પડશે.
જ્યારે ભાજપ સરકાર સત્તા થી બહાર હતી ત્યારે તેઓ કહેતા હતા કે, રૂપિયો નબળો પડવો એ નબળી સરકાર ની નિશાની છે, પરંતુ આજે તેમણે પોતે પણ આ વાત યાદ રાખવાની જરૂર છે. એ સાચું છે કે નબળો રૂપિયો દર્શાવે છે કે દેશમાં નબળી આર્થિક નીતિ વાળી સરકારનું શાસન છે. એક તરફ દેશનું દેવું સતત વધી રહ્યું છે અને બીજી તરફ આપણો રૂપિયો પણ કમજોર થઇ રહ્યો છે, આ દર્શાવે છે કે છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલી ભાજપ સરકાર માત્ર પોતાના પ્રચારમાં અને લોકોનું ધ્યાન ભટકાવવા ના મુદ્દાઓમાં વ્યસ્ત છે. 2014માં જ્યારે ભાજપ સત્તામાં આવી ત્યારે ભારત પર 56 લાખ કરોડનું દેવું હતું અને આજે દેશ પર 139 લાખ કરોડનું દેવું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય પણ દેવામાં ડૂબી રહ્યું છે. આ બહુ ગંભીર બાબત છે, પરંતુ ભાજપ સરકારની આર્થિક નીતિઓ જોઈને એવું લાગતું નથી કે તેઓ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે કોઈ પગલું ભરવા માંગે છે.
આવનારા સમયમાં ક્રૂડ, ઈલેક્ટ્રોનિક સાધનો, વિદેશી શિક્ષણ, વિદેશ પ્રવાસ ની સાથે સાથે સ્ટોક એક્સચેન્જ પર પણ ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને રોકાણકારોને અબજોનું સીધું નુકસાન પણ સહન કરવું પડી શકે છે, તેથી સરકારે હવે દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે તેની નીતિઓમાં પરિવર્તન લાવવું પડશે. અને હમેશા પ્રચારના મૂડમાં રહેતી સરકારે તામઝામ થી દૂર થઇ ને ખરા અર્થમાં કડક આર્થિક પગલાં ભરવા પડશે.
આ વખતે હું માનનીય પીએમ મોદીજી સાથે સહમત છું, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કહ્યું હતું કે નબળો રૂપિયો એ નબળી સરકાર દર્શાવે છે. તો હવે નરેન્દ્ર મોદીજી સામે બહુ મોટા પડકારનો સમય આવી ગયો છે. કહેવાય છે કે અમેરિકામાં જોરદાર આર્થિક મંદી આવી શકે છે, જો આવું થશે તો ભારત દેશ પણ તેનાથી બચી શકશે નહીં. તેથી ભાજપ સરકારે હવેથી આર્થિક મોરચે કડક નિર્ણયો લેવાની જરૂર છે જેથી કરીને ભારતીય જનતા ને નબળા રૂપિયા અને આવનારી મંદીમાંથી બચાવી શકાય.
કેન્દ્રની ભાજપ સરકારે દિલ્હી ની કેજરીવાલ સરકાર પાસેથી શીખવું જોઈએ કે લોકોને શ્રેષ્ઠ સુવિધાઓ આપવા છતાં કેવી રીતે દિલ્હી ને દેવા મુક્ત કરવામાં આવ્યું છે. દિલ્હીમાં વીજળી મફત છે, મફત શિક્ષણ વ્યવસ્થા, મફત આરોગ્ય વ્યવસ્થા, મહિલા ઓ માટે મફત બસ મુસાફરી, વૃદ્ધોને મફત તીર્થયાત્રા અને આવી શ્રેષ્ઠ વ્યવસ્થા ઓ પછી પણ કેજરીવાલ સરકારે દિલ્હી નું તમામ દેવું માફ કરી દીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.